
ગુજરાત પત્રકાર સંઘના સહમંત્રી પરમાનંદ સોની દ્વારા છ દાયકા ઉપરાંતથી કાર્યરત ગુજરાત પત્રકાર સંઘના મુખપત્ર ગુજરાત જર્નલનો અંક જશુભાઈ રાઠવાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ મુલાકાત દરમિયાન ગુજરાત પત્રકાર સંઘની વિવિધ પ્રવૃત્તિઓ અને તેના લાંબા ઇતિહાસ અંગે માહિતી આપવામાં આવી હતી. પરમાનંદ સોનીએ આગામી દિવસોમાં પત્રકારોના પ્રશ્નો અને સમસ્યાઓના નિરાકરણ માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં સાંસદશ્રીના સહયોગની માંગણી કરી હતી.આ ઉપરાંત હાલોલના વિકાસને લગતા મહત્વપૂર્ણ મુદ્દાઓ પણ રજૂ કરવામાં આવ્યા હતા. હાલોલને વડોદરા અને ગોધરા સાથે રેલવે લાઇન દ્વારા જોડવાની માંગ સાથે રેલવે સુવિધા ઉપલબ્ધ કરાવવા મુદ્દાસર રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ હાલોલ ખાતે 20 બેડની સંપૂર્ણ સુવિધાસભર આયુર્વેદિક હોસ્પિટલ સ્થાપવાની તેમજ તેમાં હોમિયોપેથી સારવારની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ પણ કરવામાં આવી હતી.સાંસદ જશુભાઈ રાઠવાએ રજૂ કરાયેલા તમામ પ્રશ્નો અને માંગણીઓને યોગ્ય સ્તરે પહોંચાડી પોતાની ભલામણ અને સહયોગ આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. આ મુલાકાતને પત્રકારો તથા હાલોલ વિસ્તારના વિકાસ માટે હકારાત્મક પગલું ગણવામાં આવી રહી છે.

