
વડોદરા ગ્રામ્ય જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરાયેલા “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ડભોઈ પોલીસે મહત્વની સફળતા મેળવી છે. છોટાઉદેપુર જિલ્લાના પાનવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશનના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી ફરાર વોન્ટેડ આરોપીને ડભોઈ પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ ગંભીર અને મિલ્કત વિરુદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા ફરાર આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ ડભોઈ પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન ડભોઈ પોલીસ ઈન્સ્પેક્ટર એ.ટી. પટેલને માનવ સૂત્રો મારફતે બાતમી મળી હતી કે પાનવડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબીશન કેસના વોન્ટેડ આરોપી દિનેશભાઈ ચીમનભાઈ ઠાકોર (રહે. અમરેશ્વર, તા. ડભોઈ, જિ. વડોદરા) પોતાના ઘરે આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ટીમ મોકલી અમરેશ્વર ગામે દરોડો પાડી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીને ડભોઈ પોલીસ સ્ટેશન લાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ પાનવડ પોલીસ સ્ટેશનને તેની જાણ કરવામાં આવી છે.

