
પાવાગઢ યાત્રાધામ ખાતે ધોધમાર વરસાદ વચ્ચે પાટિયા પુલ નજીક ભયાનક ભૂસ્ખલનની ઘટના સર્જાઈ હતી. અચાનક ભારે પથ્થરો તૂટીને પગથિયાં પર પડતાં યાત્રાળુઓ તેની નીચે દબાઈ ગયા હતા.જાણવા મળતી માહિતી મુજબ ઘટનામાં 2 લોકોનાં કરુણ મોત નીપજ્યાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર, પગથિયાં ઉપર પથ્થરો પડતાં ચારથી વધુ લોકો દબાયા હતા. ઘટનાની જાણ થતાં તંત્ર, પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. પથ્થરો નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ઘાયલોમાંથી ત્રણ વ્યક્તિઓને વધુ સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. આ દુર્ઘટનાએ પાવાગઢમાં દર્શનાર્થે આવેલા યાત્રાળુઓમાં ભય અને શોકનો માહોલ સર્જ્યો છે. તંત્ર દ્વારા લોકોને વરસાદી સ્થિતિમાં સાવચેતી રાખવા અને જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

