[the_ad id="758"]

Homeकारोबारવલસાડ LCBનો મોટો ભંડાફોડ: ₹17.19 લાખના વિદેશી દારૂ સાથે બે વિદેશી વિદ્યાર્થીઓ...

વલસાડ LCBનો મોટો ભંડાફોડ: ₹17.19 લાખના વિદેશી દારૂ સાથે બે વિદેશી વિદ્યાર્થીઓ ઝડપાયા…

ઝડપાયેલ વિદ્યાર્થીઓ વડોદરાની પારુલ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોવાનું બહાર આવ્યું

દમણથી વડોદરા તરફ દારૂનો જથ્થો લઈ જતાં પોલીસ ચેઝ બાદ પકડાયા; પારુલ યુનિવર્સિટી સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં ખુલ્યું

વલસાડ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ નોંધપાત્ર કાર્યવાહી કરી ₹17.19 લાખના મુદ્દામાલ સાથે બે વિદેશી નાગરિકોને ઝડપી પાડ્યા છે. પોલીસ બાતમીના આધારે બગવાડા ટોલનાકા નજીક ગોઠવાયેલી નાકાબંધી દરમિયાન દમણથી સુરત તરફ જઈ રહેલી હ્યુન્ડાઈ અલ્કાઝાર કારને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે કારચાલકે પોલીસનો ઈશારો અવગણી પૂરઝડપે વાહન હંકારી ભાગવાનો પ્રયાસ કરતાં ફિલ્મી ઢબે પીછો શરૂ થયો હતો. ઉદવાડા ઓવરબ્રિજ નજીક હાઈવે ટ્રાફિક રોકી પોલીસે કારને કોર્ડન કરી ઝડપી પાડી હતી.

તપાસ દરમિયાન કારમાંથી 802 ટીન અને બોટલમાં ભરેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹17.19 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓની ઓળખ ઝિમ્બાબ્વેના વિક્ટર તફારા લવમોર માયમ્બો અને ઇસ્વાતિનીની સિજાબુલિસીલે એન્જલ માઈલ્સ રોય દલામિની તરીકે થઈ છે.

પોલીસ તપાસમાં બંને વડોદરાની પારુલ યુનિવર્સિટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ હોવાનું બહાર આવ્યું છે.પ્રાથમિક પૂછપરછમાં દમણની વિવિધ વાઈન શોપમાંથી છેલ્લા ત્રણ દિવસ દરમિયાન દારૂ ખરીદી વડોદરા ખાતે પાર્ટી માટે લઈ જવાનો ઈરાદો હોવાનું સામે આવ્યું હોવાનું FIRમાં નોંધાયું છે. આરોપીઓ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટ, ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા મોટર વાહન અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાઘોડિયા વિસ્તારમાં આવેલા શિક્ષણ વર્તુળોમાં ચર્ચા

આ સમગ્ર ઘટનાએ વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં આવેલા શિક્ષણ વર્તુળોમાં ચર્ચાનો વિષય ઊભો કર્યો છે. ઉચ્ચ શિક્ષણ માટે દેશ-વિદેશમાંથી આવતા વિદ્યાર્થીઓ સાથે જોડાયેલી આવી ગંભીર ઘટનાઓ સમાજ અને વાલીઓ માટે ચિંતાનો વિષય બની રહી છે. નગરજનોમાં પણ ચર્ચા છે કે ઉચ્ચ શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં કાયદા પ્રત્યેની જવાબદારી અને શિસ્ત જાળવવા વધુ અસરકારક દેખરેખ જરૂરી બની છે.દારૂની હેરાફેરી, પોલીસ નાકાબંધી તોડવાનો પ્રયાસ અને જાહેર માર્ગ પર બેદરકારીપૂર્વક વાહન હંકારી અન્ય લોકોના જીવ જોખમમાં મૂકવાની ઘટનાએ કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હવે સમગ્ર કેસમાં પોલીસ તપાસ બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થાય છે કે કેમ તેના પર સૌની નજર મંડાઈ છે.

Varishth Samachar
Varishth Samachar
Varishthsamachar
RELATED ARTICLES

[the_ad id="752"]

[the_ad id="754"]

[the_ad id="756"]

Most Popular