
ડભોઇ પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલના અધ્યક્ષ સ્થાને અને પી.આઈ. જે.એમ. ચાવડાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાયબર ક્રાઇમ અને ચોરીના બનાવોમાં ગુમ થયેલ માલમિલ્કત અરજદારોને પરત સોંપવામાં આવી હતી.ચાર સાયબર અરજીઓમાં કોર્ટના આદેશ અનુસાર અરજદારોના ખાતામાં કુલ રૂ. 37,150/- રિફંડ કરવામાં આવ્યા હતા. ઉપરાંત, CEIR પોર્ટલની મદદથી પાંચ અરજદારોના ખોવાયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન, કુલ રૂ. 62,000/- કિંમતના, શોધી કાઢી માલિકોને પરત અપાયા હતા.


સાથે જ રૂ. 52,000/- કિંમતની સોનાની લગડી પણ સંબંધિત અરજદારને પરત સોંપવામાં આવી હતી.આમ કુલ રૂ. 1,51,150/-નો મુદ્દામાલ અરજદારોને પરત આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ અંતે “ત્રણ વાત તમારી, ત્રણ વાત અમારી” અંતર્ગત જનતા અને પોલીસ વચ્ચે સંવાદ યોજાયો, જેમાં નાગરિકોને સાયબર સુરક્ષા અને કાનૂની જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમથી પોલીસ પ્રત્યે લોકોમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત બન્યાનું પ્રતિબિંબિત થયું.



