
દેશની અગ્રણી અને વિશ્વસનીય જાહેર ક્ષેત્રની બેંકોમાં સ્થાન ધરાવતી બેંક ઓફ બરોડાની ડભોઇ નગરની વડોદરી ભાગોળ ખાતે આવેલી શાખામાં વહીવટી અવ્યવસ્થા દિવસેને દિવસે વધી રહી હોવાનું સ્પષ્ટ બની રહ્યું છે. ગ્રાહકોને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ઉચ્ચ કક્ષાએથી પાસબુક પ્રિન્ટર જેવી સુવિધા ફાળવાઈ હોવા છતાં, શાખામાં મૂળભૂત વ્યવસ્થાનો જ અભાવ જોવા મળે છે.

ખાસ કરીને ઉનાળાની ઋતુમાં ગરમીનો પ્રકોપ વધતા બેંકમાં પોતાના નાણાકીય કામકાજ માટે આવતા વયવૃદ્ધો, મહિલાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાંથી થાકીને આવતા ગ્રાહકોને બેસવા પૂરતી ખુરશીઓ ઉપલબ્ધ નથી. અનેક ખુરશીઓ તૂટેલી હાલતમાં છે, જ્યારે કેટલીક ખુરશીઓ ઉપયોગલાયક જ નથી. પરિણામે ગ્રાહકોને લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે, જે માનવતા વિરુદ્ધની સ્થિતિ ઉભી કરે છે.

આ અંગે સ્થાનિક નાગરિકો અને વયવૃદ્ધોએ અનેકવાર શાખા તંત્ર સમક્ષ રજૂઆત કરી હોવા છતાં કોઈ નોંધપાત્ર સુધારો થયો નથી. શાખા મેનેજર દ્વારા ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરાઈ હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ જો એવું છે તો પ્રશ્ન ઊભો થાય છે કે ગ્રાહક સુવિધા જેવી પ્રાથમિક બાબતમાં તાત્કાલિક નિર્ણય શા માટે લેવાતો નથી? શું જવાબદારી એકબીજા ઉપર ઠાલવવામાં આવી રહી છે? આ ઉપરાંત જાણવા મળતી વિગતો મુજબ કેટલાક કર્મચારીઓ દ્વારા અયોગ્ય અને અવગણનાપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી ગ્રાહકોમાં અસંતોષ ફેલાયો છે. બેંક જેવી સંવેદનશીલ સેવા ક્ષેત્રમાં શિસ્ત અને સૌજન્ય અનિવાર્ય હોવા છતાં આવી ઘટનાઓ ચિંતાજનક છે.સ્થાનિક સ્તરે બેંકની પ્રતિષ્ઠા ઉપર આ પરિસ્થિતિનો નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. તંત્રએ તાત્કાલિક હસ્તક્ષેપ કરી શાખામાં બેસવાની યોગ્ય વ્યવસ્થા, તૂટેલી ખુરશીઓનું બદલાણ અને કર્મચારીઓમાં જવાબદારીનો ભાવ વિકસાવવો જરૂરી બની ગયો છે. ગ્રાહકોને સુવિધા આપવી એ બેંકની પ્રથમ ફરજ છે — અને તેમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહનશીલ નથી.

