નાગરિકોનો વિશ્વાસ અને સફળ નેતૃત્વની હેટ્રીક

ડભોઇ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં ભાજપનાં તેજલબેન સોનીએ સતત ત્રીજીવાર જંગી બહુમતીથી વિજય મેળવ્યો છે અને તેમની સાથે સાથે ભાજપની પેનલના તમામ ચારેય ઉમેદવારો પણ વિજયી બન્યાં છે. વોર્ડ નંબર સાતમાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ સોની સમાજની બેઠક આવતી રહી છે, અને આ પરંપરા આ વખતે પણ યથાવત રહેવા પમી છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે સોની સમાજનાં તેજલ સોનીએ ફરી એકવાર વિજય મેળવી સતત ત્રીજી વખત જીતનો રેકોર્ડ બનાવ્યો છે.


તેમની આ હેટ્રીક જીત માત્ર વ્યક્તિગત સફળતા જ નહીં, પરંતુ ભાજપ પાર્ટીનાં કાર્યકરોની મહેનત અને મતદારોનો અવિરત વિશ્વાસ અને સમર્થનનું પ્રતિબિંબ પણ છે.તેજલ સોનીએ પોતાના કાર્યકાળ દરમિયાન વિસ્તારનાં વિકાસ માટે વિવિધ પહેલો કરી હતી. રસ્તા, સફાઈ, પાણી, ગટર, સ્ટ્રીટ લાઈટ અને અન્ય નાગરિક સુવિધાઓને લઈને તેઓ સતત સક્રિય રહ્યાં હતાં. લોકો સાથેનો તેમનો સીધો સંપર્ક અને સમસ્યાઓનાં ઝડપી નિરાકરણ માટેની તેમની પ્રતિબદ્ધતાએ તેમને લોકપ્રિય બનાવ્યાં છે.તેઓના ઉત્સાહી, કામગરા અને સહજ સ્વભાવને કારણે મતદારોમાં તેમની પ્રત્યે વિશેષ લાગણી અને વિશ્વાસ જોવા મળ્યો હતો.


આ જ કારણસર વોર્ડના નાગરિકોએ ફરી એકવાર તેમને મોટી બહુમતીથી વિજેતા બનાવ્યાં છે.વિજય બાદ તેજલ સોનીએ મતદારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ જીત તેમનાં માટે જવાબદારી વધારતી છે અને તેઓ આગામી સમયમાં પણ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે વધુ ઉત્સાહ સાથે કાર્ય કરશે.આ જીત સાથે વોર્ડ નંબર-૭માં સોની સમાજની પરંપરા પણ યથાવત રહી છે અને સાથે જ નેતૃત્વ, વિશ્વાસ અને સતત સેવા દ્વારા સફળતાની એક નવી મિશાલ પણ સ્થાપિત થઈ છે.


