
ડભોઈ – દભૉવતિમાં ગુજરાતની ચળવળમાં શહીદ થનાર શહીદ કલ્યાણજીના સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ડભોઇના યુવાન કાર્યકર અને મહાગુજરાત આંદોલનમાં તારીખ ૧૩/૮/૧૯૫૮ ના રોજ શહીદ થયેલા કાર્યકર શ્રી કલ્યાણભાઈ શાહની યાદમાં ડભોઇ મોતીબાગ ખાતે તારીખ ૨૩/૧૦/૧૯૭૨ ના રોજ શહીદ સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ સમયના આરોગ્ય અને નગરપાલિકાના મંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથો સાથ પટેલ વાગામાં પણ શહીદ સ્મારક બનાવવામાં આવ્યું હતું. આજ વિસ્તારમાં તેમને પોલીસની ગોળી વાગી તેઓ શહિદ થયા હતા. ડભોઇ પટેલ વાગામાં રહેતા યુવાન કાર્યકર કલ્યાણભાઈ વ્રજ વલ્લવદાસ શાહ યુવાઓમાં મહાગુજરાત આંદોલનમાં આગળ પડતા હતા. તે સમયે ડભોઇમાં જ પોલીસની ગોળી કલ્યાણભાઈ શાહને વાગતા ઘટના સ્થળે શહીદ થયેલા.


જેથી ડભોઇના પટેલવાગામાંથી જતા માર્ગને શહિદ કલ્યાણભાઈ માર્ગ નામ આપવામાં આવ્યું હતું. ત્યારબાદ શહીદ સ્મારક બે બનાવવામાં આવ્યા હતા. આ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન તે વખતના ગુજરાત રાજ્યના આરોગ્ય અને નગરપાલિકાના મંત્રી વાસુદેવ ત્રિપાઠીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.


આજરોજ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા)એ શહિદ સ્મારક ઉપર પુષ્પ ગુચ્છ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઇન્દુલાલ યાજ્ઞિકના વડપણ હેઠળ જે મહાગુજરાતની ચળવળ ચલાવવામાં આવી હતી. તેમાં કેટલાય દેશ ભકતો શહીદ થયા હતા. જેમાં ડભોઈ – દર્ભાવતીના કલ્યાણભાઈએ પણ મહાગુજરાતની ચળવળ કાજે પોતાના સીના ઉપર ગોળીઓ ખાઈ પોતાનું જીવ કુરબાન કરી શહીદી વહોરી હતી.જેને લઇ દર વર્ષે દેશભક્તિના પર્વએ તેઓને યાદ કરી કલ્યાણ પોળ શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ આપી તેઓને યાદ કરાય છે.

આ પ્રસંગે ડભોઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા,ડો. બી.જે.બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન પટેલ ( વકીલ), તેમજ નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો, સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો, આ સાથે મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતાં અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

