
વડોદરા ગ્રામ્ય જિલ્લામાં “ઓપરેશન પરાક્રમ” અંતર્ગત ડભોઈ પોલીસે ગેરકાયદેસર દારૂના કેસમાં સંડોવાયેલા એક આરોપીને પાસા હેઠળ અટકાયત કરી છે. પોલીસ દ્વારા મળેલી માહિતીના આધારે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ વિસ્તારમાંથી આરોપી દિલીપભાઈ ખાંડીયાભાઈ ભીલ (આ.ઉંમર 22) ને ઝડપી પાડવામાં આવ્યો હતો.આરોપી અગાઉ ભારતીય બનાવટના વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઝડપાયો હતો, જેમાં તેની પાસેમાંથી 1808 બોટલ દારૂ તથા લગભગ ₹6.60 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

આ કેસમાં ગુજરાત નશાબંધી અધિનિયમ હેઠળ ગુનો નોંધાયા બાદ તેના વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂર કરવામાં આવી હતી. વોરંટ મળ્યા બાદ ડભોઈ પોલીસની ટીમે હ્યુમન અને ટેક્નિકલ સોર્સિસના આધારે કાર્યવાહી કરી આરોપીને કવાંટમાંથી ઝડપી લીધો. હાલ આરોપીને પાલારા (ભુજ) સ્થિત ખાસ જેલમાં મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી, જેમાં ડભોઈ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સહિતના સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

