
છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા હત્યાના ગુનાનો પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા ચાર બાળ કિશોરોને ડિટેઇન કરવામાં આવ્યા છે. પોલીસ માહિતી મુજબ, તા. 9 મે 2026ની રાત્રે મોટી સઢલી ગામે યોજાયેલા લગ્ન પ્રસંગ દરમિયાન રસીદભાઈ રેશ્માભાઈ ભાબર (ઉ.વ.18) પર હુમલો કરવામાં આવ્યો હતો.

અજાણ્યા ઇસમોએ માથાના ભાગે અને શરીરના ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેમનું મોત નીપજ્યું હતું. આ મામલે રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી વડોદરા વિભાગના પોલીસ મહાનિરિક્ષક સંદીપસિંહ છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ અને નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સુર્યવંશીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાંચ તથા રંગપુર પોલીસની અલગ-અલગ ટીમોએ તપાસ હાથ ધરી હતી. હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે મરણજનાર અને તેનો મિત્ર લગ્ન પ્રસંગમાં કેટલીક યુવતીઓ સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન યુવતીઓના ભાઈએ તેમને જોઈ લીધા બાદ અદાવત રાખી પોતાના સાગરીતો સાથે મળીને હુમલો કર્યો હતો. આરોપીઓએ હાથમાં પહેરવાના ભોરીયા (કડા) વડે માથાના ભાગે ઘા મારી અને લાતો મારીને યુવકની હત્યા કરી હતી.
પોલીસે આ કેસમાં અરવિંદભાઈ નારુભાઈ રાઠવા (ઉ.વ.23) અને સંદીપભાઈ કેશલાભાઈ રાઠવા (ઉ.વ.21)ની ધરપકડ કરી છે. ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા ચાર બાળ કિશોરોને પણ ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તમામ આરોપીઓ બોડગામ પલાસી ફળિયા, તા.-જી. છોટાઉદેપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

