
ડભોઇ નગરમાં શિક્ષણ અને સંસ્કારના ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતું નામાંકિત ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ ફરી એકવાર ગૌરવપૂર્ણ સિદ્ધિ સાથે ચર્ચામાં આવ્યું છે. સ્વ. મીનાબેન પ્રવીણચંદ્ર શાહની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બી.એડ. કોલેજ ખાતે ભજન સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ડભોઇ ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

શાળાના સંગીત શિક્ષક કંદર્પભાઈ દ્વારા વિદ્યાર્થીઓને સંગીતની સુવ્યવસ્થિત અને સમર્પિત તાલીમ આપવામાં આવી હતી. તેમના માર્ગદર્શન હેઠળ પરમાર નવ્યા અને રોહિત વિશ્વા નામની બે વિદ્યાર્થીનીઓએ ભાવપૂર્ણ અને શ્રદ્ધાભર્યા ભજનો રજૂ કરીને નિણૉયકો અને ઉપસ્થિત મહાનુભાવોનું દિલ જીતી લીધું હતું. તેમના ઉત્તમ ભજનને કારણે બંને વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો..

આ સફળતા બદલ શાળાના આચાર્ય બળદેવભાઈ પટેલે બંને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે તેમણે અન્ય વિદ્યાર્થીઓને પણ આવી સ્પર્ધાઓમાં ભાગ લઈ પોતાની પ્રતિભા વિકસાવવા અને સતત પ્રગતિ કરવાની પ્રેરણા આપી હતી. શાળાની આ સિદ્ધિએ સમગ્ર ડભોઇ નગરમાં આનંદ અને ગૌરવની લાગણી ફેલાવી છે.

