
ડભોઇ નગરપાલિકાનાં પ્રમુખ પદ, ઉપપ્રમુખની વરણી ઉપર ટકેલી છે. આવતીકાલે તા. 19/05/2026ના રોજ બપોરે 3:૦૦ કલાકે ડભોઇ તાલુકા સેવા સદન ખાતે ચૂંટણી અધિકારી – નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રથમ સમગ્ર સભા યોજાશે જેમાં પાલિકાનાં પદાધિકારીઓની વરણી યોજાનાર છે. નગરપાલિકાની આ મહત્વપૂર્ણ બેઠક પહેલાં રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓએ જોર પકડ્યું છે. કયાં પક્ષનું બોર્ડ રચાશે અને ડભોઇ નગરની કમાન કોણા હાથમાં જશે તે અંગે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. રાજકીય સમીકરણો વચ્ચે હાલ “ કોનું પલ્લું ભારે? ” એ સૌથી મોટો સવાલ બન્યો છે.

ડભોઇ નગરનાં વિકાસની દિશા હવે આગામી પ્રમુખના નેતૃત્વ ઉપર આધારિત રહેશે. શહેરનાં લોકો પણ કાગડોળે રાહ જોઈ રહ્યા છે કે, આખરે પ્રમુખપદનો તાજ કોણા શિરે જશે. જો કે, હાલ સ્થિતિ સ્પષ્ટ છે કે, પાલિકાનાં ૩૬ સભ્યોમાં ૨૧ સભ્યો કોંગ્રેસ પાર્ટીનાં ચૂંટાયેલા છે અને ૧૫ સભ્યો ભાજપનાં ચૂંટાયેલા છે.

બહુમતી માટે ૧૯ સભ્યોનું સમર્થન હોવું જરૂરી છે. આમ, બહુમતી સભ્યો કોંગ્રેસ પાર્ટી પાસે છે. પરંતુ આ તો રાજકીય ગલીયારાઓની વાત છે. અહીં તો કાલે શું થાય તેની કોઈને ખબર હોતી નથી. રાજકીય પાસાઓ કેવો રંગ લાવે છે એ તો આવનાર સમય જ બતાવે. લોકમુખે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, જે નેતાને નગરની કમાન સોંપાશે તે ડભોઇમાં પરિવર્તનનો નવો રંગ લાવવાનો પ્રયાસ કરશે. આવતીકાલની બેઠક બાદ ડભોઇના રાજકીય વર્તુળોમાં કેવો નવો વળાંક આવશે તે જોવું રસપ્રદ બની રહેશે.

