
વસંતઋતુના આગમન સાથે રંગો અને ભક્તિનો મહાપર્વ હોળી-ધુળેટી સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે. ડભોઇ નગરના વૈષ્ણવ વિસ્તારોમાં હોળી પૂર્વે જ અબીલ-ગુલાલની છાંટ સાથે રસીયાની રમઝટ જામતી જોવા મળી રહી છે. હોળીના પંદર દિવસ અગાઉથી જ મંદિરો અને વૈષ્ણવ હવેલીઓમાં ભક્તિમય માહોલ સર્જાઈ જાય છે.

ડભોઇની વૈષ્ણવ હવેલીઓમાં દરરોજ નવા મનોરથોના દર્શન યોજાઈ રહ્યા છે. સયન દર્શન સમયે સાંજે રાડ ઉડાડવાની પરંપરા નિભાવવામાં આવે છે. મંદિરના ચોકમાં મહિલાઓ ભેગી થઈ એકબીજાને અબીલ-ગુલાલ લગાવી ભક્તિમય રસીયા ગાઈ રહી છે. હોળીના બે દિવસ પૂર્વે દ્વારકાધીશ મંદિર નજીક આવેલા ચોકમાં વિશેષ રસીયા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ મહિલાઓ ઉપસ્થિત રહી હતી.

ઝારોલાની વાડી ખાતે પરમ ભગવદીય વૈષ્ણવ પ્રવિણાબેન બી. શાહ (બાલકૃષ્ણ .એમ.શાહ)ના આયોજન હેઠળ હોળી રસીયાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ભક્તિમય કીર્તન અને રસીયા ગાઈ ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો.
વૈષ્ણવ પરંપરા અનુસાર ભગવાનને પ્રસન્ન કરવા દાન, તપ કે વ્રત કરતાં નિષ્કામ પ્રેમભક્તિનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. કથા સાથે કીર્તનનું સ્થાન અનિવાર્ય ગણાય છે, કારણ કે કીર્તનથી હૃદય વિશુદ્ધ થાય છે અને ભક્તિભાવ પ્રગટે છે.

હોળીનો ઉત્સવ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ઉજવાય છે. જોકે, ભારતમાં વિવિધ સ્થળોએ હોળીની ઉજવણીની અલગ પરંપરાઓ જોવા મળે છે. નાથદ્વારા અને મથુરામાં ઉજવાતી હોળી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. હોલિકોત્સવ પાછળ ભક્ત પ્રહલાદ અને હોલિકાની પૌરાણિક કથા પ્રચલિત છે. માન્યતા મુજબ નિષ્કામ ભક્તિના પ્રભાવથી ભક્ત પ્રહલાદ અગ્નિમાંથી સુરક્ષિત બહાર આવ્યા હતા, જ્યારે સકામ ભાવથી પ્રાપ્ત વરદાન ધરાવતી હોલિકા અગ્નિમાં ભસ્મ થઈ હતી. આ ઘટનાની સ્મૃતિરૂપે હોલિકા દહન ઉજવાય છે અને બીજા દિવસે રંગોનો ઉત્સવ ધુળેટી મનાવવામાં આવે છે. ડભોઇ નગરમાં હોળી-ધુળેટીનો આ ભક્તિમય માહોલ સમગ્ર વિસ્તારોને રંગ અને ભક્તિથી રંજિત કરી રહ્યો છે.


