
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગરના માર્ગદર્શન હેઠળ હાલોલ તાલુકાની પુરવઠા ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસના અંતે મસવાડ ગામની એક વ્યાજબી ભાવની દુકાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જય જલારામ મિશન સ્વસહાય જૂથ દ્વારા સંચાલિત આ દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરી રૂા. ૧,૮૩,૯૫૭/- નો દંડ ફટકારવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન જોવા મળેલી ગેરરીતિઓ
પુરવઠા ટીમ દ્વારા તા. ૧૯/૦૨/૨૦૨૬ ના રોજ કરવામાં આવેલી આકસ્મિક તપાસમાં નીચે મુજબની ગંભીર ક્ષતિઓ અને ગેરરીતિઓ જણાઈ હતી જેમાં. જથ્થામાં મોટી ઘટ: ભૌતિક તપાસ દરમિયાન ઘઉંમાં ૯૮૦.૬૬૬ કિ.ગ્રા, ચોખામાં ૨૦૫૩.૨૮૦ કિ.ગ્રા અને ખાંડમાં ૧૯૯.૪૩૫ કિ.ગ્રા.ની ઘટ માલૂમ પડી હતી.

નિયમોનું ઉલ્લંઘન: દુકાન પર ભાવ અને જથ્થાનું બોર્ડ પ્રસિદ્ધ ન કરવું, અનાજના નમૂના ન રાખવા, NFSA રેશનકાર્ડની યાદી પ્રદર્શિત ન કરવી તેમજ ફરિયાદ પેટી ન રાખવા જેવી ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી.
ગ્રાહક હિતનું નુકસાન: કાર્ડધારકોને કૂપન ન આપી, મળવાપાત્ર જથ્થાની માહિતી છુપાવી લાભાર્થીઓના હિતોને નુકસાન પહોંચાડવામાં આવતું હતું. આ ગેરરીતિ બાબતે સંચાલક નરેશભાઈ નગીનભાઈ પરમારને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી હતી. જોકે, જિલ્લા પુરવઠા કચેરી સમક્ષ તેઓ કોઈ યોગ્ય ખુલાસો કે પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પરવાનાની શરતોનો ભંગ સ્પષ્ટપણે પુરવાર થતાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાયમી પરવાનો રદ કરવાનો અને દંડ વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો છે.જિલ્લા પુરવઠા કચેરી દ્વારા વ્યાજબી ભાવની દુકાનો પર સતત અને સઘન દેખરેખ રાખવામાં આવી રહી છે. જિલ્લામાં અનાજ માફિયાઓ પર લગામ કસવા અને સામાન્ય જનતાના હિતોનું રક્ષણ કરવા માટે આગામી સમયમાં પણ આવા જ કડક પગલાં લેવાનું ચાલુ રહેશે તેવું તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું .

