
દર વર્ષે 15 માર્ચના રોજ ઉજવાતા World Consumer Rights Day નિમિત્તે ડભોઇ તાલુકાની વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. વડોદરા જિલ્લાની સરકાર માન્ય જાગૃત ગ્રાહક મંડળ વડોદરાના અને શાળાઓના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગ્રાહક અધિકારો અંગે જાગૃતિ લાવવાનો, તેમના અધિકારોનું રક્ષણ અને સશક્તિકરણ અંગે સમજણ આપવાનો હતો.આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓને ગ્રાહક તરીકેની તેમની ભૂમિકા, માહિતી મેળવવાનો અધિકાર, સુરક્ષા અને ફરિયાદ કરવાની પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું.


આજના વૈશ્વિક વેપારીકરણના યુગમાં વેપારીઓ દ્વારા ગ્રાહકોના શોષણને અટકાવવા માટે ગ્રાહક અધિકારો અંગે જાગૃતિ ખૂબ જરૂરી હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું.ડભોઇ તાલુકાની કરમાલ, મંડાળા, મોટા હરિપુરા સહિતની માધ્યમિક ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં જાગૃત ગ્રાહક મંડળ વડોદરાના કોઓર્ડિનેટર પ્રકાશભાઈ શુક્લાએ વિદ્યાર્થીઓને ગ્રાહક અધિકારો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે ગ્રાહકોએ ખરીદી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ અને છેતરપિંડી કે ભેળસેળ સામે પોતાના અધિકારો અંગે જાગૃત રહેવું જરૂરી છે.

આ પ્રસંગે વડોદરા જિલ્લા ગ્રામ્ય મંડળના એક્ટિવ મેમ્બર તથા નિવૃત્ત આચાર્ય સુધાબેન શાહે વિદ્યાર્થીઓને ગ્રાહક શિક્ષણની અગત્યતા, છેતરપિંડીથી બચવાના ઉપાયો તેમજ ગ્રાહક સંગઠનની શક્તિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે ગ્રાહક અધિકારોનું સંરક્ષણ દરેક નાગરિકની જવાબદારી છે અને વિદ્યાર્થીઓમાં આ જાગૃતિ લાવવી અત્યંત મહત્વપૂર્ણ છે.કાર્યક્રમ દરમિયાન શાળાઓના આચાર્યો દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યા હતા અને સમગ્ર આયોજન સફળ બનાવવા માટે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ગ્રાહક અધિકારો અંગે મહત્વપૂર્ણ માહિતી મેળવી હતી.

