
ખંભાત તાલુકાની સોખડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની નવ્યા મકવાણાએ તાજેતરમાં આનંદ ખાતે યોજાયેલ એથ્લેટિક્સ બેટરી ટેસ્ટમાં ઉત્તમ પ્રદર્શન કરીને રાજ્યકક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા માટે પોતાની પસંદગી નોંધાવી છે. તેમની શારીરિક ક્ષમતા અને ખેલદિલીને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.નવ્યા આગામી 20મી તારીખે નડિયાદ મુકામે યોજાનારી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા રવાના થશે.


નાની ઉંમરે આ મોટી સિદ્ધિ પ્રાપ્ત થતાં સોખડા પ્રાથમિક શાળાના પરિવાર તેમજ ગામના ગ્રામજનો અને વાલીઓમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી રહી છે.આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકગણ અને ગ્રામજનોએ નવ્યાબેનને પુષ્પગુચ્છ આપી અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. સૌએ આશા વ્યક્ત કરી છે કે નવ્યા નડિયાદ ખાતે પણ શાનદાર પ્રદર્શન કરીને શાળા અને ખંભાત તાલુકાનું નામ સમગ્ર રાજ્યમાં રોશન કરશે.


